મેનોપોઝ, ચિંતા(એન્કઝાઈટી), હાઈ બ્લડપ્રેશર, માઈગ્રેન, માથાનો દુખાવો, તડકામાં જવાથી પિતનું માથે ચડી જવું, બીજા કરતાં વધુ ગરમી લાગવી, ખૂબ પરસેવો થવો વગેરે તકલીફો હોય ત્યારે મૂનબાથ (ચંદ્રસ્નાન) અક્સીર સાબિત થાય છે. આવી તકલીફોથી પીડાતા લોકો ચંદ્રની શીતળતામાં રાત્રિભોજન બાદ ધીમે ધીમે વીસથી ચાળીસ મિનિટ સુધી ચાલે અને પછી બેસે તો તો એમને ઘણું સારું પરિણામ મળી શકે છે. રાત્રે ભોજન બાદ સામાન્ય ઝડપે ચાલવાથી પિત અને આળસનું શમન થાય છે..! ચંદ્ર સિવાય અગણિત તારાઓની, અદ્રશ્ય શક્તિઓની અનેકગણી કૃપા તો વરસે જ છે.
આપણાં શરીરમાં હૃદય, બરોળ(spleen), સ્વાદુપિંડ(pancreas) ડાબી તરફ છે જે આપણી ચંદ્રનાડી સાથે જોડાયેલાં છે. ચંદ્રસ્નાનથી આ બધાં અવયવોને સારો ફાયદો મળે છે. સાદી ભાષામાં હૃદય એટલે આપણી અંદર રહેલો ચંદ્ર અને લિવર એટલે આપણી અંદર રહેલો સૂર્ય. ચંદ્રની હાજરીમાં હૃદય મજબુત બને છે, સૂર્યની હાજરીમાં લિવર મજબુત બને છે. મગજને ચલાવનાર મન છે અને મનનું સ્થાન હૃદયમાં છે. ટૂંકમાં, ચંદ્રની હાજરીમાં હૃદય મજબુત થાય એટલે સરવાળે મગજ સારું ચાલે છે. સૂર્યની હાજરીમાં લિવર મજબુત થાય એટલે આખું શરીર સારી રીતે કામ કરે છે.
ચંદ્રનાં શીતળ અજવાળામાં મન શાંત થાય છે, પિત શાંત થાય છે, એસિડ શાંત થાય છે. હાઈ બ્લડપ્રેશરનાં દર્દીઓને નિયમિત ચંદ્ર-સ્નાન સારું પરિણામ આપે છે. મેનોપોઝ વખતે હોટ ફલસીસ એટલે કે વધુ ગરમી લાગવાની, વધુ પરસેવો થવાની જે તકલીફ છે એમાં ચંદ્રસ્નાન ખૂબ મદદરૂપ બનશે. ચાળીસ વર્ષની ઉમર પછી પુરુષોમાં એન્ડોપોઝ અને સ્ત્રીઓમાં મેનોપોઝની અસર આવી શકે છે. આવા સમયે પુરુષોમાં ચિંતા અને બ્લડપ્રેશર વધે છે, સ્ત્રીઓનું લાગણીતંત્ર વધુ સંવેદનશીલ બને છે.
ભોજન બાદ ચાલવાથી પિત-વાયુનું શમન થાય જેને લીધે પેટ હળવું બને છે. અગાઉનાં સમયમાં મોટાભાગનાં લોકો દિવસમાં અનેક વાર ચાલતાં એટલે ભોજન બાદ એમને 100 ડગલાં ચાલીને પછી ડાબે પડખે સૂવાની સલાહ અપાતી. અત્યારનાં સમયમાં તો આખો દિવસ આપણું મગજ જ વધુમાં વધુ ચાલે છે. ખુરસીનાં ચાર અને આપણાં શરીરનાં બે એમ છ પાયા સ્થિર જ હોય છે..! આવામાં જ્યારે સમય મળે ત્યારે પગને છુટ્ટા કરાય તો સ્થૂળતા, હૃદયની તકલીફો અને ડાયાબિટીસથી પણ બચી શકાય.
સૂર્ય, ચંદ્ર અને અગણિત તારાઓની કૃપા આપણાં ઉપર વરસી રહી છે જેનો લેવાય એટલો લાભ લો. જે લોકો સાંજે વહેલાં જમી લે છે એઓ રાત્રિભોજનનાં બેથી ત્રણ કલાક બાદ ચંદ્રની શીતળતામાં, ખુલ્લાં આકાશ નીચે કે ગેલેરીમાં બેસીને ઓમ્કાર અને ધ્યાન પણ કરી શકે છે. સળંગ દસથી પંદર મિનિટ આેમ્કાર અને પછી ધ્યાન કરી શકાય.
સૂર્ય, ચંદ્ર અને તારાઓરૂપી વરસતી કૃપાને માણવા દેવાની કૃપા પ્રભુ આપનાં ઉપર કરે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના,