અહીં દરેકનું પોતાનું અલગ સત્ય હોય છે. રાઈટ સાઈડે વાહન લઈને નીકળ્યો હોઉં ત્યારે રોંગમાં આવનારા કેટલાંક લોકો મારી સામે આંખો કાઢીને પણ જતાં હોય છે. કારણ, આ એમની રાઈટ સાઈડ છે, રોજ અહીંથી જ, આમ જ એ લોકો જાય છે. એમનાં લોહીમાં રોંગ સાઈડ ભળી ગઈ છે એટલે હવે એમને એની ખબર જ નથી પડતી. રાઈટ સાઈડમાં માનનારા અને રાઈટ સાઈડે જનારાઓનાં લોહીમાં રાઈટ સાઈડ ભળી ગઈ છે..! એમનું મન રોંગ સાઈડને સ્વીકારતું નથી..! તો આનો ઉપાય કયો?
ઉપાય એક જ કે આપણે ધ્યાન રાખીને, સાચવીને ચલાવતાં ચલાવતાં જ રાઈટ સાઈડે જવાનું ચાલું રાખવાનું. કોઈ રોંગમાં આવે તોય બને એટલાં શાંત રહેવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો. ગુસ્સો તમને અને મને બંનેને આવે છે પરંતુ એનાંથી વધુમાં વધુ તકલીફ આપણને જ પડે છે ને..!
વાચક મિત્રો, આજે ભલે હું આટલી જ્ઞાનની વાતો કરી રહ્યો છું, પરંતુ હું પણ આપમાંનો જ એક છું. મેં ભૂતકાળમાં ડાબી બાજુથી નીકળનારા ઘણાંને સીધા કર્યાં છે..! મારા વાહનની આસપાસથી મને ખોટું લાગ્યું એ રીતે કોઈએ ચલાવ્યું હોય, તો મેં પણ સામે એનાં જેવું જ વર્તન કર્યું હોય એવું અનેક વાર બનેલું છે. પરંતુ, પોંડીચેરીવાળા શ્રી. માતાજી નું એક વાક્ય મારા મગજમાં બરાબર ફીટ થઈ ગયું છે, જેને કારણે આ બધાં પર કાબૂ આવી રહ્યો છે.
શ્રી. માતાજીએ કહેલું: ” તમારી આસપાસથી વધુ પડતી ઝડપે કોઈ વાહન લઈને નીકળે, તમે હેરાન થાઓ એ રીતે એ ચલાવે, ત્યારે સમજવું કે નેગેટીવ શક્તિઓ તમને પોતાનાં તરફ ખેંચી રહી છે. તમને તકલીફમાં મૂકવા માટે એ આમંત્રણ આપી રહી છે. ”
વાહન તો રૂપક છે. આ સિવાય અમુક લોકોનું વર્તન પણ આપણને તકલીફમાં મૂકી શકે છે. એવું પણ બને કે આવા લોકો આપણી નજીકનાં પણ હોય, આપણી સાથે કામ કરનારા હોય, આપણી આસપાસ રહેનારા હોય. આ બધામાં આપણાં શાસ્ત્રો આપણી વ્હારે આવે છે. આવા લોકો માટે શાસ્ત્રોએ એક અદ્ભુત ઈલાજ બતાવ્યો છે જેનું નામ છે: “ઉપેક્ષા.”
પરેશાની થતી હોય એનાંથી બને તેટલું અંતર જાળવવાથી આપોઆપ ઘર્ષણ ઘટતું જાય છે. પછી એ કોઈ પણ હોઈ શકે છે. ઇર્ષ્યા એ મોટામાં મોટી બીમારી છે. ઇર્ષ્યાને કારણે કેટલાંક લોકો આપણે ઉશ્કેરાઈ જઈએ એવું વર્તન પણ કરે છે. આવા સમયે સંયમ રાખવાથી આપણી પ્રગતિ થવાની ચાલુ રહે છે.
વાચકમિત્રો, આજનો વિષય મનનાં આરોગ્યને લગતો છે એટલે અહીં એનાં ઉપર લખવાનો એક પ્રયત્ન કર્યો છે. કારણ, જ્યારે મન અશાંત બને છે ત્યારે એવાં અશાંત મનથી સારી રીતે કોઈપણ કામ કરી નથી શકાતું. આ લખનાર પણ આપની માફક જ મન વધુ સમય શાંત રહે એ માટેનાં પ્રયત્નો કર્યાં કરે છે.
ફરીથી યાદ કરાવું કે અહીં દરેક પોતાનું સત્ય લઈને ચાલે છે, પણ એક અંતિમ સત્ય છે, જે હશે તો આપણે આ દુનિયામાં સારી રીતે જીવી શકીશું. અને એ સત્યનું નામ છે ‘મનની સાચી શાંતિ.’ કારણ, જ્યારે મન શાંત હોય છે, ત્યારે સારું સર્જન સંભવે છે, મન શાંત હોય, તો જીવનમાં નિયમિતતા પણ આવે છે, જેને કારણે આરોગ્યને જાળવવા માટે જરૂરી પગલાં આપણે લઈ શકીએ છીએ. મન વધુ અને વધુ સમય શાંત રાખી શકાય તો વધુ સહ્જતાથી ધ્યાન કરી શકાય છે.
આભાર, પ્રભુ આપનું કલ્યાણ કરે,
મુકેશ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી,
નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ
ડેન્ગ્યું, ચિકનગુનિયા અને સ્વાઈનફ્લુની સરળ ઘરેલુ અને અસરકારક સારવાર મેળવો અહીં…>>>
5 Comments
Yes Agree Everyone has their own TRUTH.
Thank you.
Very nice article sir
Thank you.
Very true