ચોમાસાનો અર્થ થાય ચાર માસવાળું. પણ શબ્દો ઘણીવા૨ એનાં મૂળ અર્થને અતિક્રમી જતા હોય છે. આમ તો ત્રણે ઋતુઓ ચાર માસની જ હોય છે. એટલે એ રીતે જોઈએ તો ચોમાસા સિવાયની ઋતુઓ પણ ચોમાસી જ કહેવાય. પણ આ શબ્દ પ્રયોજાય છે માત્ર વર્ષાઋતુ માટે જ. ને વર્ષાઋતુ માટે પ્રયોજાતો આ શબ્દ એના અર્થના ચાર માસનો ભાસ કરાવવાને બદલે વર્ષાથી તરબતર સમયનો ભાસ કરાવે છે.
અન્ય બે ઋતુઓ માટેના શબ્દોમાં એ ઋતુઓના વાતાવરણનો અણસાર આવે છે. જેમ કે શિયાળો – શીતળતા જેમાં વિશેષ છે એવી ઋતુ. ઉનાળો જેમાં ગરમી પડે છે એવી ઊની લૂ ઝરતી ઋતુ. તો એ જ ક્રમમાં વરસાદ લઈને આવતી ઋતુ માટે વર્ષાળો જેવો કોઈ શબ્દ કેમ ન આવ્યો! ચોમાસું કેમ?
વિદ્વાનો તો એમ કહે છે કે મૂળ ઋતુઓ તો બે જ છે. શિયાળો અને ઉનાળો. ઉત્તરાયણ અને દક્ષિણાયન. તો પછી ચોમાસાનું શું? તો એનો જવાબ એવો છે કે ખરેખર તો એ ઉનાળો જ હોય છે એટલે એમ કહેવું જોઈએ કે ઉનાળાના છેલ્લા મહિનાઓમાં વરસાદ આવે છે. આ ચાર મહિના ગરમીવાળા તો હોય જ છે. વાદળ કે વરસાદ ન હોય ત્યારે ગરમી જ ગરમી હોય છે. જ્યારે શિયાળામાં વાદળ હોય કે ન હોય, એવી ગરમી હોતી નથી.
એટલે આ ચાર મહિનાને કેવળ ચોમાસું કહ્યું… હી, છ ઋતુઓની ગણતરીમાં પણ આ ચાર મહિનાને બે ભાગમાં જુદી જુદી ઋતુઓમાં વહેચ્યા છે એમાં એ સ્પષ્ટતા થાય છેઃ વર્ષા અને શરદ જેવા શબ્દો દ્વારા. એ વિભાજનને હિસાબે ચોમાસાના આરંભના બે મહિના તે વર્ષાઋતુનાં અને એ પછીનાં બે મહિના શરદના, આ શરદ શબ્દની સાથે આશીર્વાદનું પેલું જાણીતું વાક્ય જોડાએલું છેઃ સો શરદો જીવજો. શતં એટલે કે માત્ર સો વર્ષ જીવજો એમ નહીં પણ સો શરદો જીવવાનું કહ્યું કેમ ?… શરદઋતુની શરદ પૂર્ણિમાને સો વર્ષ સુધી માણવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય તો… તો આ વર્ષાઋતુમાં જીભ અને જઠરનાં ભેદને સમજીને આરોગવાની આડકતરી સૂચના એમાં છે. ખાવાને – આરોગવાને આરોગ્ય સાથે ગાઢ સંબંધ છે, એ ક્યારેય ભૂલવાનું નથી.
આમ જોવા જઈએ તો આ વાત સમજવાનું જરાય અઘરું નથી. વર્ષાઋતુમાં જઠરાગ્નિ મંદ પડે છે. ને બીજી બાજુ એ ઋતુમાં આવતા તહેવારો આપણને ભારે ખોરાક ખાવાનું નિમિત્ત પૂરું પાડે છે. જો કે આપણી જીભને તો એવા કોઈ નિમિત્તની જરૂર પણ નથી. સ્વાદ પોતે જ આપણને આસ્વાદની તાલાવેલી આપી જાય છે. ને પછી તો ભાવતાં ભોજન કે ભાવતાં વ્યંજનોની ક્યાં કમી છે. એ રીતે જીભ જઠરનું ધ્યાન રાખતી નથી. એટલે કે સ્વાદના શોખીન આપણે પાચનક્રિયા-પ્રક્રિયા તરફ બેદરકાર રહીએ છીએ. ભલે રહીએ. પણ આ ઋતુમાં સહેજ સાચવી લેવાનું જરૂરી છે.
વાદળ, સૂર્યના કિરણોનાં લાભથી વંચિત અને ક્યારેક તો વર્ષાની હેલીને લીધે આપણી રોજિંદી અવરજવર ઉપર પણ પ્રતિબંધ આવી જવાને લીધે પાચનશક્તિ મંદ થઈ જાય છે, ધ્યાન ન રાખીએ તો એ બધું અંદર ભેગું થતું જાય છે, આંતરડામાં જે અપકવ આમ સંચિત થાય છે એ શરદમાં એની હયાતીનું ભાન કરાવે છે. માંદગી આવે છે…. આ સંકટમાંથી બચવાનું છે – શરદના સંકટને પાર કરતાં કરતાં સો વર્ષ જીવવાનું છે.
વર્ષાને ભરપૂર માણવાની છે ને એવી જ સ્ફૂર્તિ સાથે શરદનાં શુભ-નિરભ્ર આકાશની સાથે નિરામય થઈને કે નિરામય રહીને ઓતપ્રોત થવાનું છે.
15 Comments
Good article
Sirji nice
Nice and basic information of ayurveda on our body affects by different season and diet, generally most of the people dont know .I like it.
મેઘરાજા મોટા મોટા
ગાજે સાવ ખોટા ખોટા
વીજળી રાણી ચમકે બહુ
જાણે મોટા ઘરની વહુ
Beautiful Article
રામાનુજ સરની કલમમાં શબ્દો અતીતમાં આવે છે, કવિતા અને લેખ બેયમાં એકસરખાં લયની અનુભૂતિ થાય છે. આભાર.
Nice blog
આભાર. રામાનુજ સર આજે 78 વર્ષે પણ પોતાનું આરોગ્ય અને વજન ચોમાસાની ઋતુની સાથે ચાલીને પણ જાળવી શક્યા છે એવું લાગે છે.
Remedy aapo
આ લેખમાં તો સીધો ઈલાજ જ છે. 100 વર્ષ જીવવું છે તો આ ઋતુ પસાર થાય ત્યાં સુધી પાચનતંત્ર જેમ કહે તેમ એનાં અવાજની સાથે ચાલો. કેવળ ઔષધિઓ, વ્યાયામ અને આસનો, પ્રાણાયમ તેમજ ધ્યાનથી જ આરોગ્ય ન જળવાય; એની સાથે સાથે ક્યારે શું ન કરવું જોઈએ અને ક્યારે શું કરવું જોઈએ એવો સાવ સહજ ઈલાજ પણ આરોગ્ય જાળવવા માટે એટલો જ મહત્વનો છે. પૃથ્વી ઉપરની આરોગ્યની સૌથી મોટી ચાવી એટલે ઉપવાસ, ઓછું જમવું, ભૂખ મુજબ ભોજન લેવું અને પેટ ના પાડે ત્યારે ન ખાવું કે કેવળ ફળાહાર કે સત્વ આહાર લેવો. આભાર, પ્રભુ આપને ઋતુઓની સાથે ચાલવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ.
Good article
👌👌
Nice article by Madhav🙏🏿🙏🏿🙏🏿
Any sujetion
ચોમાસામાં પેટની અંદર રહેલો પાચનનો અગ્નિ મંદ પડે છે. એટલે આ સમયે ધર્મ સાથે જોડીને આપણને ઉપવાસ કરાવવામાં આવે છે. વળી, આ સમયે વાતાવરણમાં જંતુઓનું પ્રમાણ વધુ હોય છે એટલે આહારમાં સાદો, સુપાચ્ય, તાજો આહાર ભૂખ કરતાં ઓછો લેવાય તો ચોમાસું બીમારી વિના પસાર થઈ શકે છે.